
નીચેના અંશને વાંચો અથવા સાંભળો
12:1મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું, 2“તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.”
3સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું. 4અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.”
5પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ. 6તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે. 7તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ. 8“તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.”
9એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું. 10તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું. 11તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.
12“કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું. 13પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ. 14તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”
બેખમીર રોટલીનું પર્વ
15“આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે. 16આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.
17તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો. 18પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી.
19સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય. 20ખમીરવાળી કોઈ પણ વાનગી તમારે ખાવી નહિ અને તમારાં બધાં જ ઘરોમાં તમારે ખમીર વગરની રોટલી જ ખાવી.”
પ્રથમ પાસ્ખા પર્વ
21તેથી મૂસાએ ઇઝરાયલના બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા. અને તેઓને કહ્યું, “જાઓ, તમારા પરિવાર પ્રમાણે હલવાન લઈ આવો અને પાસ્ખાના એ બલિને કાપો. 22પછી ઝુફા ડાળી લઈને તેને હલવાનના રક્તના પાત્રમાં બોળીને ઓતરંગ પર અને બન્ને બારસાખ પર તે પાત્રમાંનું રક્ત લગાડજો. અને સવાર સુધી તમારામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ.”
23કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.
24તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. અને તમે તથા તમારા દીકરાઓ કાયમના વિધિ તરીકે પાળજો. 25વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું.
26જ્યારે તમને તમારાં સંતાનો તરફથી પૂછવામાં આવે કે, ‘આપણે આ પર્વ શા માટે પાળીએ છીએ?’ 27ત્યારે તમે સમજાવજો કે, ‘એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,’ કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું. 28યહોવાહે જે આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો, તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેનો અમલ કર્યો.
કહાણીને તમારા પોતાના શબ્દોમાં ફરીથી કહેવા માટે થોડો સમય લો. તમે તેને ઉંચે બોલવા અથવા લખવા માંગશો. જો તમને તે યાદ કરવામાં મુશ્કેલી પડે, તો તેને ફરીથી વાંચો અથવા સાંભળો.
જ્યારે તમને લાગે કે તમે વાર્તા સાથે પરિચિત છો, ત્યારે નીચેના પ્રશ્નો પર વિચાર કરવા અથવા ચર્ચા કરવા માટે થોડો સમય લો.
Get Discovery Bible Studies on your phone
Discover copyright ©2015-2026 discoverapp.org
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License.